Thursday, September 30, 2010

આવે તુ મલવા તો ચેટલું હારું


મારા ગામડીયા મિજાજ માં વધુ એક રચના


શમણે હો કે ઉઘાડી આંખ્યે
રાત્યે ને દા’ડે તને જ ભારુ
ભરનિંદરે હવાર નાં પોરે
ખખડાવે બાયણું તો ચેટલું હારું.

ખોવાણો વસારે, સેતર ની ધારે,
તણયું ચ્યારડું ને ફાટ્યું બારું
માથે ભાત ને રુમઝુમ કરતી-ક,
વ્હેતી આવે તો ચેટલું હારું.

ઠાઠા ઠોયા ચેટલા કરશે?
કોરે કોરું દલડું તારું,
હામ્મું જો.! અવે ખાપે’ય કીધું
પલ્લે વરહાદે તો ચેટલું હારું.

બહુ બધ્ધુ ના હમજાય મુને,
કોમ ના કરે લમણું મારું,
હાવ હાદી વાત "શ્યામ" ની,
આવે તુ મલવા તો ચેટલું હારું.

(ખાપ=અરીસો,દર્પણ)

- ગામડીયો શ્યામ (શૂન્યમનસ્ક)
તા-૩૦/૦૯/૧૦

Wednesday, August 25, 2010

પ્રેમ માં માથે પડી લેવું સારું


ઘડાય ના ઘડતર ઘડાયા પછી,
કાચી માટી એ ઘડી લેવું સારું.

મન માં ને મન માં વકરે વેર,
સામે આવી ને વઢી લેવું સારું.

હ્રદય નું દર્દ આંખને વહેંચવા,
ભરાય ડુસકું તો રડી લેવું સારું.

વાયા-વાયા ગઢ થાય રાઇના,
રુબરું આવી ને મળી લેવું સારું.

વેવલાવેડા "શ્યામ" ના સમઝે
પ્રેમ માં માથે પડી લેવું સારું.

-શ્યામ શૂન્યમનસ્ક
તા-૨૫/૦૮/૧૦

Friday, August 20, 2010

ચોખવટ આટલી ના જોઇયે


રોજ સરીખા મળશું કે કાયમ, યાદ રાખવા એકબીજા ને
ના હું તને ભુલું ના તું મને, ચોખવટ આટલી ના જોઇયે

બાંધી તાતણો વિશ્વાસ તણો, જગ જીતાય વીંટાળી ને
એક ખેચેં તો બીજુ મુકે, ખેંચા-ખેંચ ના જોઇયે

શું કહું તને હું ને તું મને, નોખું ન રહે એમ ભેળવ ને !
"દોસ્ત" નામ છે તારું ને મારું, નામ સબંધના ના જોઇયે.

યાદ ના રહે મને કશું ને, તું’યે યાદ ના દેવડાવી ને,
ઉપરછ્લ્લા સબંધો રાખી, મહોરું ઔપચારીક ના જોઇયે.

બાંધેલા કાયમ છુટવા મથે, સાંકળીયે અડગ, અળગા રહીને,
હૈયાં ન હોય છુંટા-છવાયાં, બંધન આટલાં ના જોઇયે.

વિચારો નો ધોધ ક્યારેક, વહેતો જાય શબ્દો બની ને,
લખતા લખતા લખ્યું "શ્યામ", નામ કવી નું ના જોઇયે.

-શ્યામ શૂન્યમનસ્ક
તા - ૨૦/૦૮/૧૦

Thursday, July 22, 2010

એ હજી કાંઇ કેહતી નથી

મારા મિત્ર કાર્તિક સોની દ્વારા મને એક સરસ હાસ્ય ... હળવી રચના લખવા કહ્યું અને કાઇક લખાઇ ગયું મારા ગામડીયા મિજાજ માં ....



એ હજી કાંઇ કેહતી નથી,
મન માં તો "હા" છે
મોઢેંથી કાઈ વ્હેતી નથી,! એ હજી કાંઇ કેહતી નથી.

દિલ થી કહે તો ડગલાં ભરું
કહે તો જીવુ ને કહે તો મરુ.!!
હાંભળે તો બધ્ધી વાત કરું,
ઘડીભર હંગાથે બેહતી નથી.! એ હજી કાંઇ કેહતી નથી.

કહેતો આંબલી ની ટોચે ચડું.
કેરી કહે તો આંબો ઝુડું,
તારા મગજ ને કેમ નો કળુ?
વાત એનાં ભેજા માં પેહતી નથી.! એ હજી કાંઇ કેહતી નથી.

પાણી નાં કહે તો ભરું માટલાં,
ભાણે બેહે તો પાથરુ પાટલા.!
કોણ કરે તને પરેમ આટલા?
શા ગુને મને સહેતી નથી.! એ હજી કાંઇ કેહતી નથી.

"શ્યામ" કહે તુ બની જા રાધા,
નડે છે તને શેની બાધા?
ધક્કા તો મારા ફળીયે તેંય ખાધા!!
એમ તો મારા વગર રહેતી નથી.! એ હજી કાંઇ કેહતી નથી.

-ગામડીયો શ્યામ
તા-૨૨/૦૭/૧૦

Wednesday, July 21, 2010

ફુલો નાં રસ્તે સાથે ચાલજે

ફુલો નાં રસ્તે સાથે ચાલજે,
ડગલું-પગલું દુર ન થા.
કાંટે,કાંકરે પથરાઇશ જઇશ,
મુશ્કીલ રાહે મજબુર ન થા.

મન ની વાત મન માં રાખી,
ઉબડ-ખાબડ સ્વભાવ ન થા.
તું ને હું એક જ છીયે,
પ્રિત નો આમ અભાવ ન થા.

વમળ નથી આ એક દિન નો,
તોફાન પછી સુમસામ ન થા.
ખુલ્લા મને વરસતા રહીયે ,
આવતી-જતી મોસમ ન થા.

આંખોથી કબુલી હેતની વાત,
જાણી-બુઝીને અજાણ ન થા.
તારા જ દિલ ને પુછી લે ને?
શરુઆત ની ઓળખાણ ન થા.

શબ્દો "શ્યામ" ના ભુલાઇ પણ જાશે
યાદ રાખવાનું કારણ ન થા
કોતરાશે દિલ માં તો જાશે નહી
મન નું નાહક ભારણ ન થા.

-શ્યામ શૂન્યમનસ્ક
તા ૨૧/૦૭/૧૦

Saturday, July 3, 2010

રણઝણાટ વરસાદ

રામરાખ્યા ખેડૂ નાં ખંત નો ખણભણાટ
તપતા બેબાકળ દિલો ની ઠંડક નો વરસાદ... રણઝણાટ વરસાદ

બે-લગામ દોડી ને મળવાનો હણહણાટ
ધીખતી ધરા, નભ મિલન નો વરસાદ.... રણઝણાટ વરસાદ

હૈયે યુવાનડા ને મચતો એક સળવળાટ
હસતાં ખુશનુમા ખિલતા ચહેરાઓ નો વરસાદ... રણઝણાટ વરસાદ

"શ્યામ" ની કલમે થી વહેતો એક ઝણઝણાટ
ભીના, તરબોળ, નીતરતા શબ્દોનો વરસાદ..... રણઝણાટ વરસાદ

-શ્યામ શૂન્યમન્સ્ક
તા ૨/૦૭/૧૦

Thursday, March 4, 2010

મન નો મસ્તરામ બની બેસું.


મળે જો હળવાશ બેધડક બનીને રંગીન ક્યારેક !
કદીક માણું ખુશી તો ઘડીક ગમગીન બની બેસું.

કવિ તો નથી આમ હું નિતરે શબ્દો ક્યારેક !
કદીક કાગળ પર ફરતી કલમ નો પ્રેમ બની બેસું.

શ્વેત હોય ધારા વિચાર તણી, સરતી ક્યારેક !
કદીક બને બે-લગામ ભરતી તો શ્યામ બની બેસું.

સાંકળ બંધ રાખુ મન ની દુભાય તો ક્યારેક !
કદીક વહાવી ખુશ્બો સરેઆમ બની બેસું.

મૃતક બની ને જીવતો હોઉ ક્યારેક !
કદીક નિહાળવા ઘટતી, જીવરામ બની બેસું.

મન છે આતો, માટી નો જીવ "શૂન્યમન્સ્ક" ક્યારેક !
કદીક "શ્યામ" મન નો મસ્તરામ બની બેસું.

શ્યામ-શૂન્યમનસ્ક
તા ૦૪/૦૩/૧૦

Monday, March 1, 2010

ચપટી ગુલાલ મારા પર નાંખશો તો ગમશે

મનની મીઠાશ નાં રંગો તો તમે પુર્યા
ચપટી ગુલાલ મારા પર નાંખશો તો ગમશે

મોઘમ વાત કાં કરો છો કાન માં
કહેશો કંઇક ખુલ્લેઆમ તો ગમશે

કેશુંડાય ખિલ્યા છે હવેતો તમે પણ
વધાવવા વસંત ને મહોરી ઉઠશો તો ગમશે

રમત તમે ભલે માનો પ્રિત ને
ખુશીમાં તમારી હારશું અમે રોજ તો ગમશે

વાંચી શાયરી ને વાહવાહ તો સહુ યે કરે "શ્યામ"
લખેલી ગઝલ ને ચુમી લેશો તો ગમશે

શ્યામ-શૂન્યમનસ્ક
તા ૦૧/૦૩/૧૦

Sunday, February 28, 2010

રંગો હજાર છે

રંગ વિહિન કહે છે પાણીને, ઢાળો તો એના પણ આકાર છે,
નામ નથી રંગનું ફક્ત, નહી તો એનાય રંગો હજાર છે.

ભરેલા છે હૈયા માં નેહ, અખૂટ એટલા વિચાર છે,
ખુલતા નથી અધરો ફક્ત, નહી તો વાતો હજાર છે.

નજર કરીયે જ્યાં જ્યાં પણ, નઝારા ગજબ સાક્ષાતકાર છે,
ટકતા નથી કાયમ ફકત, નહીં તો અજાયબ હજાર છે.

અંતરનું લખેલું કલમનામુ, બાકી અહીતો ગઝલોની ય બજાર છે,
મળતો નથી મથું છું લખવા એક જ ફક્ત, નહી તો શબ્દો હજાર છે.

બાંધી દીધી એક હેત ની દોરી, તમને હ્રદય સુધીનો આવકાર છે,
છટકવું નથી "શૂન્યમનસ્ક" ફક્ત, નહીં તો બહાનાં હજાર છે.

અધર = હોઠ

-શ્યામ શૂન્યમનસ્ક
તા-૨૮/૦૨/૦૯

Monday, January 4, 2010

દરિયો છે જામ નો પણ અમલ નથી.

દાંડી જોઇને નિકળ્યા અમે તો,
છે નાવડી પણ હલેસાં નથી.
બુડવું હતું મારે પણ એમાં,
દરિયો છે જામ નો પણ અમલ નથી.

ખોજ છે કશું ખોવાયાની,રાતે
છે પુર્ણિમા પણ અજવાળી નથી.
નહાવું તું સફેદી માં મારે,
ચાંદો છે પણ ચાંદની નથી.

ખીલ્યુ રાતુ ફુલ બગીચે,
છે ડાળી પર તોડ્યું નથી.
માણવીતી ફોરમ મન ભરીને,
ફુલ છે તાજું પણ મહેંક નથી.

રંગત છે ભીડ ની બધે,
છે મહેફીલ પણ લોક નથી.
કહેવીતી મારી વાતો બધાંને,
ચર્ચાનુંય છે જોર પણ વાત નથી.

બધું છે કિસ્મતે પણ કશુંયે નથી,
છે વસવસો થોડોક પણ દુ:ખી નથી.
કહી તો શકાય શૂન્યમનસ્ક,
સુખ છે ઘણુ આમતો પણ સુખી નથી.

-$hy@m શૂન્યમનસ્ક
તા- ૩/૧/૧૦